Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ

  Valsad|Pardi:પારડી સ્વાધ્યાય મંડળ ખાતે શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથની આવૃત્તિનું વિમોચન કરાયુ 

ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છેઃ આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૩ જુલાઈ 

 વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત શ્રીમદ્ ભગવદ ગીતા પુરુષાર્થ બોધિની ગ્રંથ અત્યાર સુધીમાં આઠ આવૃત્તિ થવા છતાં વર્તમાનમાં સામાન્ય જનતા માટે લાંબા સમયથી ઉપલબ્ધ ન હતો. પંડિતજી દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા ઉપરની આ ભાષ્ય અને ટીકા સહિતની અમૂલ્ય આવૃત્તિના નવસંસ્કરણનો વિમોચન સમારોહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીના હસ્તે સ્વાધ્યાય મંડળ સભાગૃહ ખાતે પ્રબુદ્ધજનો અને સંસ્કૃતિ પ્રેમીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

 આ પ્રસંગે ગ્રંથ વિમોચક અને આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીએ ભગવદ ગીતાની વિવિધ ટીકાની ચર્ચા કરતાં કહ્યું કે, કેટલાકે જ્ઞાનપ્રધાન તો કેટલાકે ભક્તિપ્રધાન એવું ભગવદ ગીતાનું અર્થઘટન કરી એની મહત્તા દર્શાવી છે, પરંતુ પંડિતજીએ સનાતન રાષ્ટ્રના ચૈતન્યને ધ્યાનમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણના ગીતાબોધ થકી પ્રગટતા પુરુષાર્થને મહત્વ આપી નિષ્કામ કર્મયોગના સંદેશને યુગાનુકૂળ પ્રકાશિત કર્યો એ આ ગ્રંથની વિલક્ષણતા છે. ભારતીય સંસ્કૃતિના અર્કરૂપ વેદોનું દોહન કરી શ્રીકૃષ્ણના શ્રીમુખેથી પ્રગટેલ ભગવદ ગીતા સનાતન પ્રેરણા આપતો અભિનવ રાષ્ટ્રીય ગ્રંથ છે. વેદર્ષિ પંડિત સાતવળેકરજીએ શ્રીમદ્ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોકો પર સારગર્ભિત ભાષ્ય કરી પુરુષાર્થ બોધિની ટીકા દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિપ્રેમીઓ માટે અનોખું પ્રબોધન કર્યું છે.

 આ ગ્રંથનું મુદ્રણ સૌજન્ય મુંબઈના પ્રિન્ટોગ્રાફી પરિવારના સર્વ જયંતીભાઈ, રમેશભાઈ અને ગિરીશભાઈ શાહના દ્વારા એમના વડીલોના પુણ્યાર્થે દાખવવામાં આવ્યું હતું. સ્વાધ્યાય મંડળના કાર્યાધ્યક્ષ ડો. પ્રતાપ ઠોસરે ગ્રંથ-વિમોચક સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજી અને મુદ્રક સૌજન્યમૂર્તિ રમેશભાઈ શાહનું શાલ ઓઢાડી સ્વાગત અને સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી મહેમાનોનો પરિચય અને આભારદર્શન સંસ્થાના મહામંત્રી રાજેશ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. સુમધુર સ્વરોમાં ઋષિકુમારો દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. અંતે ૐ પૂર્ણમદ... ના કલ્યાણમંત્ર સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.



Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

valsad District latest news : 02-07-2024