Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી

  Valsad:ડો. આંબેડકર આવાસ યોજના અને વિધવા પેન્શન યોજનાએ પારડીના ખેરલાવની અનુસૂચિત જાતિની વિધવા મહિલાના જીવનમાં આશાની નવી કિરણ જન્માવી 

બંને યોજનાએ અનેક નિરાધાર મહિલાઓને સમાજમાં સ્વમાનભેર જીવન આપ્યું હોવાનો ગર્વ અનુભવતા લાભાર્થી કંચનબેન માહ્યાવંશી  

પહેલા કાચા ઘરમાં એક સાઈડની દિવાલ તુટી જતા ખૂબ જ દયનીય હાલતમાં જીવતા હતા, હવે સરકારે રહેવા માટે પાકી છત આપી 

પતિના અવસાન બાદ ઘરમાં કમાનાર કોઈ ન હતું ત્યારે કટોકટીની સ્થિતિમાં સરકાર વ્હારે આવી અને દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શન મળતા જીવન જીવવુ સરળ બન્યું 

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી 

માહિતી બ્યુરોઃ વલસાડ

‘‘ખાવા માટે રોટલો મળે પણ ઓટલો ન મળે’’ એ દાયકાઓ પુરાણી કહેવતને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખોટી પાડી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને રહેવા માટે માથે પાકી છત વાળા મકાન મળે તે માટે અનેકવિધ આવાસ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ ગુજરાતના છેવાડે રહેતા વંચિતોને પણ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હરહંમેશ તત્પર રહ્યા છે. ત્યારે આવાસ યોજનાના લાભાર્થીઓ ગદગદિત થઈ સરકારશ્રીનો આભાર માની રહ્યા છે. આવા જ એક લાભાર્થી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામમાં માહ્યાવંશી ફળિયા ખાતે રહેતા વિધવા કંચનબેન કાંતીભાઈ માહ્યાવંશી. 

 ડો. આંબેડર આવાસ યોજનાના લાભાર્થી કંચનબેન પોતાની કરૂણ દાસ્તાન જણાવતા કહે છે કે, પહેલા અમારૂ ઘર લીપણવાળુ કાચુ હતું. જેની એક સાઈડની કામળી વાળી દિવાલ પડી જતા ઘણા વર્ષો સુધી હુ અને મારા પતિ બે દીકરીઓ સાથે યેનકેન પ્રકારે રહેતા હતા. ચોમાસામાં તો અમારા ઘરની હાલત એકદમ દયનીય બની જતી હતી. છત તો ટપકતી હતી જ પરંતુ એક સાઈડે દિવાલ ન હોવાથી વરસાદી પાણી તેમજ ઝેરી જનાવર પણ ઘર ઘુસી જતા હતા. જેમ તેમ કરી ખાનગી કંપનીમાં નોકરી કરી બંને દીકરીઓને ભણાવી ગણાવી લગ્ન કરાવી સાસરે વળાવી હતી. સાત વર્ષ પહેલા પતિનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થયુ હતું. સંતાનમાં દીકરો ન હોવાથી એકલી રહેવાની નોબત આવી હતી. ભાંગેલા તૂટેલા ઘરમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી પરંતુ કોરોનાકાળ પહેલા પગમાં દુઃખાવો થતા નોકરી છોડવી પડી હતી. આ સમયે ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી પાકુ ઘર કેવી રીતે બનશે તે એક મારા માટે એક વિટંબણા હતી. આ સમયે મારી સાથે નોકરી કરતી મારી બહેનપણી નર્મદાબેને મને આવાસ યોજના વિશે માહિતી આપી જેથી મે વલસાડ જૂની કલેકટર કચેરીમાં આવેલી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં તપાસ કરતા મને ડો. આંબેડકર આવાસ યોજના વિશે માહિતી મળતા ફોર્મ ભર્યુ હતું. આખરે રૂ. ૧. ૨૦ લાખની સરકારની સહાય મળતા થોડા પૈસા મારી દીકરી-જમાઈએ ઉમેરી રહેવાલાયક પાકી છત વાળુ સુંદર ઘર બનાવી આપ્યું છે. આજે હું પાકા ઘરમાં સુખરૂપે રહું છું. રહેવા માટે ઘર તો મળી ગયુ પરંતુ ઘરમાં કોઈ કમાનાર ન હોવાથી ગુજરાન કેવી રીતે ચાલશે તેની ચિંતા સતાવતી હતી ત્યારે અમારી બાજુમાં આવેલા ડુમલાવ ગામમાં રહેતા અને ગુરીયા કાકા તરીકે જાણીતા સેવાભાવી વડીલે મને વિધવા પેન્શનની સહાય અંગે જાણકારી આપતા તેઓએ જ મારૂ ફોર્મ ભરી સહાય માટે અરજી કરી હતી. આખરે તે ફોર્મ મંજૂર થતા હાલમાં દર મહિને રૂ. ૧૨૫૦ પેન્શનની રકમ સીધી મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેમાંથી હુ મારુ ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન જીવુ છું. સરકારની આવાસ યોજના અને વિધવા પેન્શન યોજના મારા જેવી વિધવા અને નિરાધાર મહિલાઓ માટે ઘોર અંધકાર વચ્ચે પ્રકાશના કિરણ સમાન છે. આ બંને યોજનાનો લાભ મેળવવા બદલ હું રાજ્ય સરકારનો અંતઃકરણપૂર્વક જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. 



Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

valsad District latest news : 02-07-2024